News
સુનીલભાઈ પટેલે ૧૦૦મું રક્તદાન કરી વલસાડ રક્તદાન કેન્દ્રના ૭મા શતક રક્તદાતા બનવાનું શ્રેય પ્રાપ્ત કર્યું રક્તદાતા સુનિલભાઇ પટેલનું રક્તદાનની સેવા માટે બહુમાન કરાયું
માહિતી બ્યુરોઃ વલસાડઃ તા. ૧૭: વલસાડના વતની શ્રી સુનીલભાઈ પટેલે ૧૧/૫/૧૯૯૪માં વલસાડ રક્તદાન કેન્દ્રમાં પ્રથમ વખત રક્તદાન કર્યું હતું. તેમણે આ રક્તદાન માટેના પ્રેરણાદાયી વિચાર બીજનું શ્રેય પિતરાઈ ભાઈ સ્વ. પ્રકાશભાઈ એન્જીનીયરને આપી આજે પરિવાર અને મિત્રોના રક્તદાન સાથે પોતાનું ૧૦૦મું રક્તદાન કરી વલસાડ રક્તદાન કેન્દ્રના ૭માં શતક રક્તદાતા બનવાનું શ્રેય પ્રાપ્ત કર્યું હતું.
સુનિલભાઇની ૧૯૯૪માં શરૂ થયેલી રક્તદાનની સફર છેલ્લા ૨૮ વર્ષથી નિયમિત ચાલી રહી છે. તેઓએ હાલ પર્યંત વલસાડ રક્તદાન કેન્દ્રમાં ૬૯ whole Blood અને ૩૧ Platelet ડોનેશન કરી રક્તદાન કેન્દ્રમાં પડતી રક્તની અછતને કારણે રક્તની જરૂરિયાત માટે ઝઝુમતા દર્દીઓને પોતાના રક્તદાન દ્વારા નવજીવન આપી અનોખું અને અભિનંદનીય કાર્ય કરી અન્ય નવયુવાનો અને સમાજ માટે પ્રેરણા પૂરી પાડી છે, જે અભિનંદનીય છે.
આ પ્રસંગે વલસાડ રક્તદાન કેન્દ્ર ખાતે સુનીલભાઈ પટેલના ૧૦૦મા રક્તદાનની સિદ્ધિને બિરદાવવા કુટુંબીજનો અને સ્ટાફની હાજરીમાં સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં વલસાડ રક્તદાન કેન્દ્રના માનદ્ મંત્રી ડો. યઝદી ઈટાલીયા, મેડીકલ ડાયરેક્ટર ડો. કમલ પટેલ, સુનીલભાઈ પટેલના પારિવારિક સભ્યો અને મિત્ર વર્તુળની હાજરીમાં ડો. યઝદી ઈટાલીયાના વરદ હસ્તે શતક રક્તદાતા સુનીલભાઈ પટેલને રક્તદાનની સાતત્યપૂર્ણ સેવા બદલ પુષ્પગુચ્છ અર્પણ કરી શાલ ઓઢાડી, સ્મૃતિ ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે સંસ્થાના માનદ મંત્રી ડો. યઝદી ઈટાલીયા એ વલસાડ રક્તદાન કેન્દ્રના સાતમાં શતક રક્તદાતા શ્રી સુનીલભાઈ પટેલના ૧૦૦માં રક્તદાનના સીમાસ્થંભ થકી કરેલ નિઃસ્વાર્થ સેવા, રક્તદાન શિબિર આયોજન અને યુવાનો તથા સમાજને રક્તદાન માટે પ્રેરણાદાયી પ્રોત્સાહન પૂરું પાડી ૨૮ વર્ષની રક્તદાનની સાતત્યપૂર્ણ અને નિયમિત રક્તદાન સફરને બિરદાવી અભિનંદન પાઠવી આભાર વ્યકત કરી જણાવ્યું હતું કે, સુનીલભાઈ પટેલ જેવા નિઃસ્વાર્થભાવે સેવારૂપ તમામ રકતદાતાઓ અને રક્તદાન શિબિરઆયોજકો ભગવાનના દૂત બની રક્તની જરૂરિયાતવાળા ગંભીર દર્દીઓ માટે મદદરૂપ થઇ ભગવાનનો થોડો ભાર હળવો કરી રહયા છે, જે અભિનંદનીય અને વંદનીય છે. જેના કારણે જિલ્લાની રક્તની જરૂરીયાતને પહોંચી અગણિત દર્દીઓની જિંદગીમાં નવી આશાનો સંચાર કરી ઉત્તમ કાર્ય કરી સમાજને પ્રેરણા પૂરી પાડી વલસાડ જિલ્લાને ગૌરવવંત કર્યો જે માટે આભાર વ્યક્ત કર્યો હતો.આ પ્રસંગે શ્રી સુનીલભાઈ પટેલે રક્તદાન માટે પ્રેરણા સ્ત્રોત સ્વ. પ્રકાશભાઈ એન્જીનીયરને વંદન કરી બ્લડ બેંક સ્ટાફના સહયોગ અને સેવાને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે રક્તદાનની આ સફરને અવિરત ચાલુ રાખવાના અભિગમમાં આજે ૧૦૦મા રક્તદાનની સિધ્ધી પ્રાપ્ત કરી નવું બળ મળ્યું હોવાની લાગણી વ્યક્ત કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ ભાવેશભાઈ રાયચા દ્વારા કરવામાં આવી હતી. તેમણે સુનીલભાઈ પટેલ અને એમના પરિવારનો વલસાડ રક્તદાન કેન્દ્રની સમગ્ર ટીમના અથાગ પ્રયત્નો દ્વારા રક્તદાનની પ્રવૃત્તિને ઉજાગર કરવામાં સહયોગી નામી અનામી તમામ લોકો થકી વલસાડ જિલ્લાને રક્તદાન ક્ષેત્રે સુંદર સેવા પૂરી પાડવા બદલ સૌને આભાર વ્યક્ત કર્યો હતો.
Previous article
Next article
Leave Comments
Post a Comment