News
ટુકવાડા ખાતે રૂ.૨૪૯ લાખના ખર્ચે નિર્માણ થનારા સી.સી. રોડની કામગીરીનું નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ખાતમુહૂર્ત કરાયું
માહિતી બ્યુરો વલસાડ તા.૦૫: વલસાડ જિલ્લાના ટુકવાડા ખાતે રૂ.૨૪૯ લાખના ખર્ચે નિર્માણ થનારા ૧.૨ કિમી લંબાઇના એપ્રોચ રોડ વાઈડિંગ તથા સી.સી. રોડની કામગીરીનું ખાતમુહૂર્ત નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના માનનીય કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
આ અવસરે નાણાં મંત્રી કનુભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, આ રસ્તો બનાવવા માટે અહીંના અગ્રણીઓએ કરેલી રજુઆતોને ધ્યાને રાખી બન્ને બાજુ ગટરની સાથે સીસી રોડ મંજૂર કરવામાં આવ્યો છે. સારી ક્વોલિટીનો અને મજબૂત રસ્તો બને તે માટે અહીંના પદાધિકારીઓ અને અગ્રણી ઓ પણ તકેદારી રાખે તે જરૂરી છે. આ રસ્તો વધુ સારો બને તે માટે જો કોઇ સૂચન હોય તો તે રજૂ કરવા તેમજ રસ્તાની કામગીરી મે સુધીમાં પૂર્ણ થાય તેવા પ્રયાસો હાથ ધરવા સંબંધિતોને જણાવ્યું હતું. દરેક કામોમાં જરૂરીયાત મુજબના વિકાસ કાર્યો થાય તે માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે, ત્યારે સૌને સાથે મળીને રાજ્ય સરકારના કામોમાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો. નલ સે જલ યોજના હેઠળ ઘર સુધી નલથી પાણી આપવાનું કામ પુર જોશમાં ચાલુ છે, તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
સાંસદ ડો.કે.સી.પટેલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની રાહબરી હેઠળ અનેક વિકાસલક્ષી કાર્યો થઇ રહયા છે.
કાર્યપાલક ઈજનેર એન.એન.પટેલે સ્વાગત પ્રવચન માં સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ૧૨૦૦ મીટર લંબાઈનો આ રસ્તો ૧૦ મીટર પહોળો, રસ્તાની બંને બાજુ પેવર બ્લોક અને પાકી ગટર સાથે બનાવવામાં આવશે. તેમણે રસ્તો બનાવવા માર્ગ અને મકાન વિભાગને સહાયરૂપ બનવા અનુરોધ કર્યો હતો.આ કાર્યક્રમમાં સાંસદ ડો. કે.સી.પટેલ, કાર્યપાલક ઈજનેર એન.એન. પટેલ, નાયબ કાર્યપાલક ઈજનેર નિખિલભાઈ પંચાલ અને જતિનભાઈ, સરપંચ તેજલબેન પટેલ, પારડી તાલુકા સંગઠન પ્રમુખ મહેશભાઈ દેસાઈ, માર્ગ અને મકાન વિભાગના કર્મીઓ, ગામ અગ્રણીઓ, જિલ્લા/ તાલુકા પંચાયત સભ્યો ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
Previous article
Next article
Leave Comments
Post a Comment