News
વાપી મનપાનું વર્ષ ૨૦૨૫-૨૬નું રૂ. ૬૪૦ કરોડનું બજેટ વહીવટદારશ્રી નૈમેષ દવેની અધ્યક્ષતામાં કમિશ્નરશ્રી યોગેશ ચૌધરીએ રજૂ કર્યુ રૂ. ૨૯ કરોડની પુરાંત ધરાવતા આ બજેટને વહીવટદારશ્રીએ પણ આવકાર્યુ
માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૨૫ ફેબ્રુઆરી
વાપી નગરપાલિકાને તા. ૧ જાન્યુઆરી ૨૦૨૫થી મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ પ્રથમ વાર ૨૦૨૫-૨૬ના વર્ષનું પ્રથમ સામાન્ય બજેટ મંગળવારે સવારે ૧૧ કલાકે વાપી નગરપાલિકાના સભાખંડ ખાતે વહીવટદારશ્રી-વ-જિલ્લા કલેકટરશ્રી નૈમેષ દવેના અધ્યક્ષતામાં વાપી મનપા કમિશ્નરશ્રી યોગેશ ચૌધરીએ રૂ. ૬૪૦ કરોડનું સર્વાંગી વિકાસલક્ષી બજેટ રજૂ કર્યુ હતું.
વહીવટદારશ્રી-વ-કલેકટરશ્રીએ આગામી ચોમાસા પહેલા ઘણા કામ પૂર્ણ કરવાનું પ્લાનિંગ કરવામાં આવ્યુ છે, આગામી સમયમાં મહાનગર પાલિકાનું ખૂબ જ સરસ આયોજન જોવા મળશે એમ કહી રૂ. ૨૯ કરોડની પુરાંત ધરાવતા આ બજેટને વહીવટદારશ્રીએ આવકાર્યુ હતું. વાપી મનપાના પ્રથમ બજેટમાં રોડ, ગાર્ડન, પાણી, ડ્રેનેજ અને વાપી મનાપામાં સમાવાયેલા ૧૧ ગામોનો વિકાસને આવરી લેવામાં આવ્યો છે. ખાસ કરીને વર્ષ ૨૦૨૫-૨૬માં પ્રોપર્ટી ટેક્સમાં કોઈ પણ વધારો કરવામાં આવ્યો નથી. જેથી મિલકતધારકોને રાહત થશે. જો કે સાથે સાથે રિબેટ અને દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે. જૂન-૨૦૨૫ માં શિક્ષણ ઉપકર સિવાયની રકમ ઉપર ૫ ટકા રિબેટ મળશે તથા ઓક્ટોબર માસથી નિયમ મુજબ દંડ લેવામાં આવશે.
બજેટ રજૂ કરતી વેળા વાપી મનપાના કમિશ્નરશ્રી ચૌધરીએ જણાવ્યું કે, વાપી મનપા દ્વારા વિવિધ ગ્રાન્ટમાંથી રોડ રસ્તાના કામો, પાણી પુરવઠાની નવી પાઈપલાઈન, ડેકોરેટીવ સ્ટ્રીટલાઈટ પોલ, આઈકોનિક રોડ, સ્પોર્ટ્સ ફેસીલીટી સેન્ટર, સિટી બ્યુટીફિકેશન, તળાવ વિકાસ, રિવરફ્ર્ન્ટ સુધીના એપ્રોચ રોડ, લેન્ડસ્કેપિંગ, ફાયર વાહનોની ખરીદી, સ્મશાન રીડેવલપમેન્ટ, આંગણવાડી, લાઈબ્રેરી અને ગટર વ્યવસ્થા જેવા મહત્વના કામોનો સમાવેશ કરાયો છે. પ્રથમ બજેટના આયોજન માટે શહેરીજનો પાસે સૂચનો મંગાવવામાં આવ્યા હતા જેને ધ્યાને લઈ આ બજેટ તૈયાર કરાયુ છે. જેમાં રૂ. ૧૩.૧૦ કરોડના ખર્ચે વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં ડાભેલ ચેક પોસ્ટ મુક્તાનંદ માર્ગ જંક્શન સુધી, ગાંધી સર્કલ થઈ સેલવાસ ચાર રસ્તા સુધી અને કોપરલી રોડ ચાર રસ્તાથી રાતા ગામની હદ સુધી કુલ ૩ રસ્તાને આઈકોનિક રોડ તરીકે વિકસાવાશે. વધુ બે નવા બાયપાસ રોડનું પણ આયોજન છે જેના કારણે નાગરિકોને ચલાથી બલીઠા થઈ નેશનલ હાઈવે તરફ જવા માટે બાયપાસનો લાભ મળી શકશે.જેમાં વાપી દમણ રોડથી ચીકુવાડી થઈ મુક્તાનંદ માર્ગ અને બીજો મુક્તાનંદ માર્ગથી કસ્ટમ રોડને જોડતો રોડ તૈયાર કરવાનું આયોજન છે.
કમિશ્નરશ્રીએ શહેરી ગરીબો માટે ગંદા વિસ્તાર સુધારણા અંતર્ગત જણાવ્યુ કે, સ્લમ વિસ્તારોમાં રહેતા નાગરિકોને સારી સુવિધા મળે તે માટે રૂ. ૨.૯૦ કરોડના ખર્ચે રસ્તા અને રૂ. ૧.૦૫ કરોડના ખર્ચે ગટર વ્યવસ્થાપન કરાશે. શૌચાલયની સુવિધા માટે રૂ. ૧.૮૦ કરોડના ખર્ચે પે એન્ડ યુઝ ટોઈલેટ બ્લોક બનાવાશે. સલવાવ અને વટાર ગામમાં રૂ. ૨૦ કરોડના ખર્ચે એક-એક તળાવ વિકસાવાશે. નામધા ગામને અડીને આવેલી દમણગંગા નદી કિનારે રૂ. ૧૦ કરોડના ખર્ચે રિવરફ્રન્ટ સુધીનો એપ્રોચ રોડ અને લેન્ડસ્કેપિંગનો વિકાસ થવાથી તળાવમાં પૂરતા પ્રમાણમાં પાણીનો સંગ્રહ થશે. સાથે શહેરીજનોને હરવા ફરવા માટે સ્થળ ઉપલબ્ધ થશે. રૂ. ૧ કરોડના ખર્ચે અર્બન ફોરેસ્ટ્રી અને પ્લાન્ટેશનનું પણ આયોજન કરાયુ છે. જનભાગીદારી યોજનાનો ઉલ્લેખ કરતા કમિશ્નરશ્રીએ જણાવ્યું કે, શહેરી વિસ્તારમાં આ યોજના ખૂબ જ પ્રચલિત છે. આ યોજના મુખ્યત્વે ૭૦:૩૦ હેઠળ ખાનગી સોસાયટીને રસ્તા, પાણી અને સ્ટ્રીટ લાઈટની સુવિધા માટે રૂ. ૪ કરોડની ફાળવણી કરવામાં આવી છે. શહેરીજનોને વધારે સુવિધા ઉપલબ્ધ કરાવવાના હેતુથી વધારાની સ્પોર્ટસ ફેસિલિટી ઉભી કરવા રૂ. ૧૩ કરોડના ફાળવણી કરી છે. આંગણવાડીઓને અપગ્રેડ અને સ્માર્ટ બનાવવા માટે રૂ. ૧ કરોડની ફાળવણી કરાઈ છે. છીરી અને છરવાડા વિસ્તારના જાહેર માર્ગો ઉપર બેસતા ફેરિયાઓ એક જ જગ્યા પર ધંધો કરી શકે તે માટે છીરીમાં રૂ. ૧ કરોડના ખર્ચે હોકર્સ ઝોન બનાવાશે. વાપી મનપા વિસ્તારના મહત્વના વિભાગો જેવા કે, પાણી પુરવઠા, ડ્રેનેજ વિભાગની સ્કાડા સિસ્ટમ, સીસીટીવી સર્વેલન્સ સિસ્ટમને આવરી લઈ સમગ્ર કામગીરીનું એક જ જગ્યાથી મોનીટરીંગ થાય તે માટે ઈન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર રૂ. ૧૫ કરોડના ખર્ચે બનાવવાનું આયોજન છે. જેના થકી શહેરમાં થતી ગુનાહિત પ્રવૃત્તિને અટકાવવામાં મદદ મળશે અને ટ્રાફિક મેનેજમેન્ટની કામગીરીમાં પણ મદદ મળશે. વાપીની મનપાની સેવા એક જ પ્લેટફોર્મ પર મળી રહે અને ફરિયાદ નિવારણની સિસ્ટમ વધુ અસરકારક બનાવવા એપ બનાવવામાં આવશે. હયાત લાઈબ્રેરીને અપગ્રેડ કરી મોર્ડન લાઈબ્રેરી અને નવી ૩ મોર્ડન લાઈબ્રેરી બનાવવા રૂ. ૧ કરોડની ફાળવણી કરાઈ છે. ઈલેકટ્રીક વિભાગ માટે કુલ રૂ. ૨૧.૧૮ કરોડની જોગવાઈ કરાઈ છે. જેમાંથી ૧૬૭૮ ડેકોરેટીવ પોલ, ૧૭૭૨ ડેકોરેટીવ લાઈટ અને ૩૮૪૮ નવી સ્ટ્રીટ લાઈટ લગાવવામાં આવશે. જેથી વાપી મનપા ઝગમગી ઉઠશે.
પાણી પુરવઠા અને ડ્રેનેજ વિભાગ માટે કુલ રૂ. ૯૪.૨૮ કરોડની ફાળવણી કરાઈ છે. જેમાંથી લોકોને ઘરે પુરતા પ્રેશર તેમજ જથ્થામાં પીવાનું શુધ્ધ પાણી મળે તે માટે નવી પાઈપલાઈન, નવા ડીજી સેટ અને મશીનરીને અપગ્રેડ કરવા માટે રૂ. ૩૫.૪૬૭ કરોડનો ખર્ચે કરાશે. ડ્રેનેજ વિભાગ માટે કુલ રૂ. ૩૦.૬૭ કરોડની ફાળવણી કરવામાં આવી છે. ભૂગર્ભ ગટર અને વરસાદી ગટરની સાફ સફાઈ કરતા કર્મચારી તેમજ મજૂરોના આરોગ્ય અને સુખાકારી માટે આયુષ્યમાન કાર્ડ અને મેડિકલ હેલ્થ ચેક અપ દર ૩ મહિને કરાશે. કામદારોનું જીવન જોખમાઈ નહી તે માટે હેવી ડ્યુટી મીની સકર મશીનરી ખરીદાશે. જે માટે રૂ. ૧.૬૭ કરોડની બજેટમાં ફાળવણી કરાઈ છે. ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનની કામગીરી માટે રૂ. ૧૫ કરોડની બજેટમાં ફાળવણી કરાઈ છે. સઘન સફાઈ ઝુંબેશ માટે રૂ. ૧૪ કરોડના ખર્ચે ૬૦૦ થી ૮૦૦ સફાઈ કર્મચારીઓ દ્વારા કામગીરીનું આયોજન કરાયુ છે. જે માટે રોડની સફાઈ કરવા રૂ. ૧ કરોડનું રોડ સ્વીપિંગ વાહન ખરીદાશે. રખડતા ઢોરોના નિયંત્રણ માટે બજેટમાં કુલ રૂ ૬૬ લાખના ખર્ચની જોગવાઈ કરાઈ છે. વાપી મનપામાં સમાવાયેલા ૧૧ ગામો અને હાલના વાપી પાલિકાના વિસ્તારમાં ગંદકીના બ્લેક સ્પોટ દૂર કરવા રૂ. ૧ કરોડની ફાળવણી કરાઈ છે. કચરાનું કલેકશન કરી મનપાની પ્રોસેસિંગ સાઈટ ખાતે દૈનિક ધોરણે ફ્રેશ વેસ્ટનો નિકાલ કરવા રૂ. ૭ કરોડ ખર્ચાશે. સ્વચ્છ ભારત મિશન ૨.૦ હેઠળ રૂ. ૧૮.૫૦ કરોડના ખર્ચે નવી પ્રોસેસિંગ સાઈટ બનાવાશે. સફાઈ માટે રૂ. ૧૮.૯૮ કરોડના ખર્ચે વાહનોની ખરીદી કરાશે.
ટાઉન પ્લાનિંગ અંતર્ગત ડુંગરા વિસ્તારમાં ૩ નવી નગર રચના માટે સરકારમાંથી પરામર્શ મેળવી ટૂંક સમયમાં શરૂ કરાશે. ૩ નગર રચનાનો વિસ્તાર ૩૮૦ હેકટર હશે. વાપી મનપા વિસ્તારમાં નગર રચના યોજના – ૧ ને ટૂંક સમયમાં સરકારમાંથી મંજૂરી મળતા અમલવારી શરૂ કરાશે. પબ્લિક ટ્રાન્સપોર્ટ સુવિધા પર વાપી મનપાના કમિશ્નરશ્રીએ ફોક્સ કરી વધુમાં જણાવ્યું કે, વાપી મનપામાં સમાવેશ કરાયેલા ૧૧ ગામોને જોડતી સિટી બસ સેવા ઝડપથી શરૂ કરાશે. બે નવા ફાયર એન્જિન ખરીદાશે. આગના જોખમને ધ્યાનમાં રાખી ફાયર વિભાગને આધુનિક સામગ્રીથી સજજ કરવા રૂ. ૫૦ લાખની સ્વ ભંડોળમાંથી ફાળવણી કરવામાં આવી છે. નાની અને સાંકડી ગલીમાં આગના કોલ દરમિયાન ઝડપથી પહોંચી શકાય તે માટે ઈમરજન્સી રિસ્પોન્સ વ્હીકલની રૂ. ૩ કરોડના ખર્ચે ખરીદી કરાશે.
એફોર્ડેબલ હાઉસિંગ અંગે કમિશ્નરશ્રીએ જણાવ્યું કે, એફોર્ડેબલ હાઉસિંગ ઈન પાર્ટનરશીપ પ્રોજેકટનું આયોજન અંગે નિર્ણય લેવાયો છે. જેમાં ૫૦૦ જેટલા ઘર બનાવવાનું આયોજન છે. જે માટે રૂ. ૧૭૫૦ લાખનો ખર્ચ થશે. શહેરીજનોને આનંદ પ્રમોદ માટે વર્ષ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમ અને રમત ગમતની વિવિધ પ્રવૃત્તિ માટે રૂ. ૧ કરોડની જોગવાઈ કરાઈ છે.
પ્રથમ બજેટ રજૂ કરવા સંદર્ભે મળેલી પ્રેસ કોન્ફરન્સમાં નાયબ મ્યુ. કમિશ્નરશ્રી આસ્થા સોલંકી અને અશ્વિન પાઠક, નાયબ માહિતી નિયામક સુશ્રી ભાવના વસાવા, વાપી મનપાના એકાઉન્ટન્ટ ઓફિસર નીકિતા પટેલ, ઈન્ચાર્જ એકાઉન્ટન્ટ દેવાંગ આરીવાલા તેમજ પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મીડિયાના કર્મીઓ મોટી સખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
*બોક્ષ મેટર*
*આ રીતે ચાલશે વાપી મનપાનો સમગ્ર વહીવટ*
વાપી મનપાના નવા મહેકમ સેટઅપ માટેની મંજૂરી મળ્યા બાદ કાયમી ભરતી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી વાપી મહાનગરપાલિકા દ્વારા ૧૧ માસના કરાર આધારિત તદ્દન હંગામી ધોરણે કુલ ૭૮ જગ્યા ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. વાપી મનપાના સમગ્ર વિસ્તારમાં સરળ વહીવટી કામગીરી માટે તમામ વિસ્તારને ઈસ્ટ અને વેસ્ટ ઝોનમાં વહેંચવામાં આવ્યા છે. જે માટે બે નાયબ મ્યુનિસિપલ કમિશ્નરશ્રીને જવાબદારી સોંપવામાં આવી છે. વાપી મનપામાં હાલ વિવિધ ૨૦ વિભાગોનું આયોજન કરી કામગીરીની વહેંચણી કરી દેવામાં આવી છે. ૨૦ વિભાગમાં બે નાયબ મ્યુ. કમિશનર અને સિટી ઈજનેર, ટાઉન પ્લાનર અને મેડિકલ ઓફિસરને નિયંત્રણ અને અમલીકરણની કામગીરી સોંપવામાં આવી છે. ઉપરોક્ત મહેકમ અને વિભાગ દ્વારા શહેરીજનોની સુખાકારી માટે કામગીરી કરાશે.
*બોક્ષ મેટર*
*વાપીના કયા વિસ્તારનો ક્યા ઝોનમાં સમાવેશ કરાયો?*
ઈસ્ટ ઝોનમાં સમાવિષ્ટ વિસ્તાર સલવાવ, છીરી, છરવાડા, ચણોદ, કરવડ અને જૂનો નગરપાલિકા વિસ્તાર પૂર્વ –સુલપડ અને ડુંગરા સહિત. આ ઝોનમાં સરળ વહીવટી કામગીરી માટે નાયબ મ્યુનિસિપલ કમિશ્નર અશ્વિન પાઠકને દેખરેખ માટે જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે વેસ્ટ ઝોનમાં બલીઠા, વટાર, કુંતા, મોરાઈ, નામધા, ચંડોર અને જુનો નગરપાલિકા વિસ્તાર પશ્ચિમનો સમાવેશ કરાયો છે. જેની જવાબદારી નાયબ મ્યુ. કમિશ્નર આસ્થા સોલંકીને સોંપાઈ છે.
Previous article
Next article
Leave Comments
Post a Comment